મંગળવાર, 11 જુલાઈ, 2017

સે નૉ ટુ ચાઈનીઝ ગૂડ્સ પ્રિન્સિપાલ કહેશે વિદ્યાર્થીઓને

સે નૉ ટુ ચાઈનીઝ ગૂડ્સ પ્રિન્સિપાલ કહેશે વિદ્યાર્થીઓને
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=236143
મુંબઈ: ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ ઘણી વાર સોશિયલ મીડિયા પર થાય છે. મુંબઈ પ્રિન્સિપાલ એસોસિયેશને પણ આવી એક અપીલ વિદ્યાર્થીઓને કરવાનું નક્કી કર્યું છે. સિક્કિમમાં ડોકલામ ખાતે ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને ધ્યાનમાં લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલે મુંબઈ સ્કૂલ પ્રિન્સિપાલ એસોસિયેશનના સેક્રેટરી પ્રશાંત રેડીઝે જણાવ્યું હતું કે આ માત્ર અપીલ છે, કોઈ આદેશ આપવામાં નથી આવ્યો. આપણે નેતા અને સૈન્યને સમર્થન આપવું જરૂરી છે. આ માટે અમે એક ડ્રાફ્ટ પણ બનાવ્યો છે. એક વાર તેને તમામ સભ્યો દ્વારા મંજૂરી મળી જશે, તે બાદ તેને મુંબઈ મેટ્રોપોલિટન રિજનના તમામ સ્કૂલોમાં મોકલવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે અમે આ અપીલની કાનૂની બાજુ પણ જોઈ રહ્યા છે. ભારત સરકાર દ્વારા ચીન સાથે કરવામાં આવેલા ટ્રેડ એગ્રીમેન્ટને ધ્યાનમાં લેતા કોઈ અડચણ આવશે કે કેમ તેમ પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આ અંગે અભ્યાસ ચાલી રહ્યો છે, પરંતુ બ્લેન્કેટ બૅન લગાવી ન શકાય તેની જાણ અમને પણ છે. 

આ એસોસિયેશન સાથે કુલ ૧૫૦૦ સ્કૂલ જોડાયેલી છે. 

રેડીઝે જણાવ્યું હતું કે જ્યારે સરહદો પર કોઈ કારણ વિના એક દેશ દ્વારા સમસ્યાઓ ઊભી કરવામાં આવતી હોય ત્યારે તેમની સાથે વેપાર કઈ રીતે થઈ શકે તે સમજી શકાતું નથી. તેમણે જણાવ્યું હતું કે સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભારત-ચીનના યુદ્ધ અને તેની ભારત પર કેવી અસર થઈ તે અંગે ભણાવવામાં આવે છે અને તે બાદ ચીનની જ વસ્તુઓ(પૅન કે પૅન્સિલ)નો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ આ અંગે લખે છે તે બહુ વિચિત્ર વાત છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કોઈ વિદ્યાર્થી પર સખ્તી વરતવામાં આવશે નહીં, માત્ર વિદ્યાર્થી કે તેના પરિવારની પસંદગી પ્રમાણે જ તેઓ વસ્તુ વાપરી શકશે. અમે માત્ર અપીલ કરી રહ્યા છે. છેલ્લા અમુક દિવસોથી ભારત અને ચીન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. બન્ને દેશો વચ્ચે ૧૯૬૨ના યુદ્ધ જેવી સ્થિતિ પેદા થઈ હોવાનું અખબારી અહેવાલો કહી રહ્યા છે ત્યારે ચીની વસ્તુઓનું ભારતમાં બહુ મોટું માર્કેટ છે અને ચીનને આર્થિક રીતે પછડાટ આપવામાં ભારતીય માર્કેટ મહત્ત્વનો ભાગ ભજવી શકે છે, તે વાત ધ્યાનમાં લઈ પ્રિન્સિપાલ એસોસિયેશને આ અપીલ કરી છે. 

સર્વર ઠપ: અગિયારમીનું પહેલું મેરિટ લિસ્ટ અડધી રાત્રે
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=236144
મુંબઈ: મુંબઈના અગિયારમીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ અને તેના વાલીઓને રાત ઉજાગરા કરવાની ફરજ શિક્ષણવિભાગે પાડી છે. સોમવારે સાંજે અગિયારમીનું પહેલું મેરિટ લિસ્ટ બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ટેકનિકલ ખામીને લીધે આ કામ થઈ શક્યું નથી અને આ યાદી રાત્રે બાર વાગ્યા સુધીમાં બહાર પડવાની શક્યતા છે, તેમ ડેપ્યુટી ડિરેક્ટર બીબી ચવ્હાણે જણાવ્યું હતું. 

અગિયારમીના એડ્મિશનની સંપૂર્ણ પ્રક્રિયા ઑનલાઈન કરવામાં આવે છે અને તે રીતે મેરિટ લિસ્ટ પણ ઑનલાઈન જાહેર કરવામાં આવે છે. સોમવારે પહેલા લિસ્ટની રાહ વિદ્યાર્થી-વાલીઓ અને સ્કૂલ મેનેજમેન્ટ જોઈ રહ્યું હતું, પરંતુ લિસ્ટ જાહેર ન થતાં સૌને ચિંતા જાગી હતી. તે બાદ શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોશિશ કરી રહ્યા છીએ અને રાત્રે ૧૧થી બાર વાગ્યા સુધીમાં મેરિટ લિસ્ટ જાહેર થવાની શક્યતા છે. અગાઉ પાંચ વાગ્યે જાહેર ન થતાં વિભાગે સાત વાગ્યાનો સમય જણાવ્યો હતો, પરંતુ તે બાદ ટેકનિકલ ખામીને લીધે ડેટા અપલૉડ થઈ શક્યો ન હોવાથી હવે અડધી રાત્રે લિસ્ટ જાહેર કરવામાં આવશે, તેમ વિભાગ જણાવી રહ્યું છે. લગભગ અઢી લાખથી વધારે વિદ્યાર્થીઓએ એડ્મિશન માટે ઑનલાઈન અરજી કરી છે. પહેલું કટ ઑફ ૯૫ ટકાથી ઉપર જવાની શક્યતા છે ત્યારે આવા તમામ વિદ્યાર્થીઓ કૉમ્પ્યુટર સામે મીટ માંડી બેઠા છે. 

અગાઉ એડ્મિશનની પ્રક્રિયામાં પણ ખામી સર્જાતા એક દિવસ માટે પ્રક્રિયા બંધ રાખવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈ સિવાયના તમામ શહેરો, જ્યાં ઑનલાઈન પદ્ધતિથી પ્રવેશ થાય છે ત્યાં મેરિટ લિસ્ટ બહાર પડ્યું છે ત્યારે મુંબઈના વિદ્યાર્થીઓને આવી હેરાનગતિઓથી ક્યારે છુટકારો મળશે, તે પ્રશ્ર્ન છે. 
અમરનાથના ગુજરાતી યાત્રાળુઓ પર ત્રાસવાદી હુમલો: ૭ મોત   
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=236147
અમારા પ્રતિનિધિ તરફથી)

શ્રીનગર: કાશ્મીરમાં આતંકવાદીઓએ સોમવારે અમરનાથ યાત્રાને નિશાન બનાવી હતી. આતંકવાદીઓએ અનંતનાગ જિલ્લાના બાનટિંગુમાં બે અલગ અલગ જગ્યાએ તીર્થયાત્રીઓ અને તેમની સુરક્ષા કરી રહેલા પોલીસદળ પર હુમલો કર્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર બસ ગુજરાતના વલસાડના ઓમ ટ્રાવેલ્સની હતી અને એનો નંબર જીજે-૦૯-ઝેડ-૯૯૭૬ હતો. બસ સોનામાર્ગ બાલટાલથી આવી હતી. યાત્રાળુઓ બાબા અમરનાથના દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા. બસના ડ્રાઇવરે યાત્રાના નિયમનું ઉલ્લંઘન કર્યું હતું. નિયમ પ્રમાણે સાંજે ૭ વાગ્યા બાદ કોઇપણ બસને રાજમાર્ગ પર ચલાવવાની પરવાનગી નથી અને હુમલો રાતે સાડાઆઠ વાગ્યે થયો હતો.

માર્યા ગયેલાઓ ગુજરાતના જ છે. જોકે બસનું રજીસ્ટ્રેશન અમરનાથ યાત્રા માટે થયું ન હોવાથી મૃતકોના નામ મોડી રાત સુધી નહોતા મળી શક્યા.

કાશ્મીર પોલીસના જણાવ્યાનુસાર બાનટિંગુ ખાતે પોલીસ ચોકી પર ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો અને એ દરમિયાન સલામતી દળો સાથે ચાલી રહેલી અથડામણનું ટાર્ગેટ ગુજરાતની બસ બની હતી. બસમાંના ૧૮ યાત્રાળુને ગોળી વાગી હતી અને એમાંના સાત માર્યા ગયા હતા.

જમ્મુ-કાશ્મીરના પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ મુનિર ખાને કહ્યું હતું કે આ હુમલામાં સાત વ્યક્તિનાં મોત થયા હોવા ઉપરાંત પચીસ કરતા પણ વધુ લોકો ઘાયલ થયા છે.

દક્ષિણ કાશ્મીરમાં શ્રીનગર-જમ્મુ હાઈવે પર આતંકવાદીઓએ પોલીસદળ પર ગોળીબાર કર્યો હતો.

બે વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું તો પાંચ વ્યક્તિનું સારવારાર્થે હોસ્પિટલમાં લઈ જતી વખતે માર્ગમાં જ મૃત્યુ થયું હતું.

આતંકવાદી હુમલા બાદ શ્રીનગર-જમ્મુ હાઈવે વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.

આતંકવાદીઓએ યાત્રાળુઓની એક બસને પણ નિશાન બનાવી હતી અને તેના પર આડેધડ ગોળીબાર કર્યો હતો.

આ બસ કાફલાનો હિસ્સો નહોતી અને અમરનાથ શ્રાઈન બોર્ડમાં આ બસનું રજિસ્ટ્રેશન પણ નહોતું થયું.

અધિકારીઓનું કહેવું છે કે ઇજાગ્રસ્તોમાંથી એનકની હાલત ગંભીર હોવાને કારણે ઘટનાનો મરણાંક વધી શકે છેે.

પ્રાપ્ત માહિતી અનુસાર મોટરબાઇક પર સવાર આતંકવાદીઓએ આ યાત્રાળુઓ પર હુમલો કર્યો હતો. જોકે પોલીસના જણઆવ્યાનુસાર આતંકવાદીઓના નિશાના પર અમરનાથ યાત્રાળુઓ નહોતા.

આતંકવાદીઓએ પોલીસ તેમ જ લશ્કરી દળ પર હુમલો કર્યો હતો તે સમયે યાત્રાળુઓની બસ વચ્ચે ફસાઈ ગઈ હતી. જોકે મૃતકોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી.

સુરક્ષા એજન્સીઓઓ અમરનાથ યાત્રા પર આતંકવાદી હુમલા થવાની શક્યાતા હોવાની અગાઉથી જ ચેતવણી આપી હતી.

ગયા વરસે હિઝબુલ કમાન્ડર બુરહાન વાની એન્કાઉન્ટરમાં ઠાર મરાયા બાદથી કાશ્મીર ખીણપ્રદેશમાં પરિસ્થિતિ ખરાબ છે.

આ વરસે અમરનાથ યાત્રા દરમિયાન વાણીની પહેલી વરસી પણ છે.

ગુપ્તચર ખાતાના અહેવાલ મુજબ અમરનાથ યાત્રાની સુરક્ષા માટે જબરજસ્ત વ્યવસ્થા કરવામાં આવી હતી.

સેના, પોલીસ અને અર્ધલશ્કરી દળના લગભગ ૮૦૦૦૦ જવાન અમરનાથ યાત્રાની સુરક્ષા માટે ગોઠવી દેવામાં આવ્યા છે.

---

હુમલાની ચેતવણી પચીસ જૂને અપાયેલી

મુંબઈ: અમરનાથના યાત્રીઓ પર ત્રાસવાદીઓ હુમલો કરવાની તૈયારીમાં હોવા અંગેની ઇન્ટેલિજન્સ ઇનપૂટ અનંતનાગ એસએસપી દ્વારા પચીસ જૂને આપવામાં આવ્યા હતા. ૧૦૦થી ૧૫૦ યાત્રીઓને તેમ જ ૧૦૦ જેટલા પોલીસ અધિકારીઓને મારી નાખવાની ત્રાસવાદીઓની યોજના હોવાનું પણ આ ઇનપૂટમાં જણાવવામાં આવ્યું હતું. જોકે આ ઇનપૂટ છતાં સુરક્ષા એજન્સીઓ ત્રાસવાદી હુમલા રોકી શકવામાં અસફળ રહી હતી. આઇજીપી કાશમીર દ્વારા આ ઇન્ટેલિજન્સ ઇનપૂટ કાશ્મીરમાં લશ્કર, સીઆરપીએફ અને પોલીસને આપવામાં આવ્યા હતા. આ ઇનપૂટમાં કોમી તણાવનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઇનપૂટ આપવા સાથે તમામ અધિકારીઓને એલર્ટ રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. એ છતાં સલામતી દળો ગાફેલ રહ્યાં હતાં અને સોમવારે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં સાત યાત્રીનાં મોત નીપજ્યાં હતાં.

---

૧૭ વર્ષ પહેલાં અમરનાથના

૩૨ યાત્રાળુના જાન લીધા હતા

અમરનાથ યાત્રાળુઓને આતંકવાદીઓએ કાંઇ પહેલી વાર લક્ષ્ય નથી બનાવ્યા પણ ૧૭ વર્ષ પહેલાં તેમણે ૩૨ યાત્રાળુના જીવ લીધા હતા. ૧૯૯૩ પછી થયેલા હુમલાઓની આ રહી તવારીખ:

૧. વર્ષ- ૧૯૯૩ - બાબરી મસ્જિદને બહાને હરકતુ-અલ-અન્સારે અમરનાથ યાત્રા પર પ્રતિબંધ લાદ્યો. અમરનાથ યાત્રા પર ૨ હુમલામાં ૩ વ્યક્તિ ઠાર.

૨. વર્ષ- ૧૯૯૪ - ફરીથી હરકતુલ અંસારે અમરનાથ યાત્રા પર પ્રતિબંધ લાદ્યો. અમરનાથ યાત્રા પર ૧ હુમલામાં ૨ વ્યક્તિ ઠાર.

૩. વર્ષ- ૧૯૯૫ - સતત ત્રીજા વર્ષેય અંસારે અમરનાથ યાત્રા પર પ્રતિબંધ લાદ્યો. અમરનાથ યાત્રા પર ૩ હુમલા થયા, પણ ત્રાસવાદીઓ કોઇને મારી ન શક્યા.

૪. વર્ષ - ૧૯૯૬ - આ વખતે ય ત્રાસવાદીઓએ હુમલા કર્યા, પણ કોઇને મારી ન શકયા. જોકે, મોસમ ખરાબ થવાને કારણે અને બરફ પડવાને લીધે થયેલા અકસ્માતોમાં ૩૦૦ યાત્રાળુઓના જીવ ગયા.

૫. વર્ષ - ૨૦૦૦ - ત્રાસવાદીઓ દ્વારા પહલગામ નજીક આરુ નામક સ્થળે કરેલા હુમલામાં ૩૨ શ્રદ્ધાળુ સહિત ૩૫ જણના મોત થયા હતા.

૬. વર્ષ ૨૦૦૧ - શેષનાગમાં ત્રાસવાદી હુમલામાં ૩ પોલીસ સહિત ૧૨ યાત્રાળુઓના મોત થયા હતા.

૭. વર્ષ ૨૦૦૨ - અમરનાથ યાત્રા પર થયેલા બે જુદાજુદા હુમલામાં ૧૦ યાત્રાળુઓના મોત થયા હતા.

૮. વર્ષ ૨૦૦૩ - ત્રાસવાદીઓએ અમરનાથના યાત્રાળુઓ પર હુમલો ન કરતા વૈષ્ણોદેવીના કટડામાં હુમલો કરીને ૮ યાત્રાળુઓને મારી નાખ્યા અને ટાંડામાં સેનાના એક બ્રિગેડિયરને પણ મારી નાખ્યા હતા. આ સાથે રાજમાર્ગ પર કેટલાક લોકોને મારી નાખીને અમરનાથના યાત્રાળુઓના મનમાં ભય પેદા કરવાનો પ્રયત્ન કર્યો હતો.

શાસન નિર્ણય

શાસન નિર્ણય

Most Popular