બુધવાર, 25 મે, 2016

news

લંડનમાં બોડી શોપના ન્યૂ બાયો-બ્રિજ પ્રોગ્રામના પ્રારંભમાં વેસ્ટમિન્સ્ટર બ્રિજ ખાતે રખાયેલા છ ફૂટના વાંદરાના મોડેલને જોતો રાહદારી. આ પ્રોજેક્ટનો હેતુ ૭.૫ ચોરસ મીટર વિસ્તારમાં વનીકરણ કરવાનો અને વન્યજીવોને શિકારીઓથી બચાવવાનો છે.




  સ્ત્રી ઈચ્છે તો દેવનેપણ બાળક બનાવી શકે
  સ્ત્રી ઈચ્છે તો દેવનેપણ બાળક બનાવી શકે
કથા કોલાજ - કાજલ ઓઝા - વૈદ્ય


નામ : અનસૂયા

સ્થળ : ચિત્રકૂટ આશ્રમ

સમય : સતયુગ



મારા આંગણામાં પાંચ બાળકો રમી રહ્યાં છે. બે મારા પુત્રો છે, સોમ અને દુર્વાસા...સોમ વહાલસોયો અને શાંત દીકરો છે જ્યારે દુર્વાસા ઉગ્ર સ્વભાવનો છે. એને નાનકડી પણ ભૂલ ન ચાલે. મંત્રોચ્ચાર કરતો હોય અને કોઈની ભૂલ થાય તો દુર્વાસાની આંખો લાલ થઈ જાય. હજી તો નાનો છે પણ ક્યારેક મને એની ચિંતા થાય છે. જેમ મોટો થતો જશે એમ એનો ક્રોધ શાંત થશે? કે વધશે? હું તો અનસૂયા છું. ઈર્ષા અને તિરસ્કારથી દૂર...અન-અસૂયા નામ છે મારું.

સાથે બીજાં ત્રણ બાળકો છે. હું એમને જોઈને હસી પડુ છું. જેમને વિશ્ર્વના ૠષિઓ નમન કરે છે. આ સંસારને જન્મ આપવા માટે એનું પાલન અને સંહાર કરવા માટે જે દેવોને સહુ નમન કરે છે એ ત્રણ દેવો આજે બાળક બનીને મારા આંગણામાં રમી રહ્યા છે. એમને જોઈને વહાલ આવે છે મને. આજે જે બાળકો અહીં ખુશખુશાલ છે એ બાળકો ત્રણે ભુવનના સ્વામી છે...મારા સંતાનની જેમ એ મારા આશ્રમમાં ઉછરી રહ્યા છે. એમને જોઈને મને સમજાય છે કે એક સ્ત્રી ઈચ્છે તો શું ન કરી શકે!

પૂજ્ય મનુ મારા નાના. એમની પુત્રી દેવહૂતિ અને બ્રહ્મર્ષિ કર્દમનું સંતાન છું હું. મહર્ષિ કપિલ મારા મામા થાય. હું જે પરિવારમાંથી આવુ છું ત્યાં સ્ત્રીઓને શિક્ષણ આપવાનું બહુ જ મહાત્મ્ય છે. મારા પિતા કર્દમ ૠષિએ મને શાસ્ત્રો અને શસ્ત્રનું જ્ઞાન આપ્યું. પછી જ્યારે મારે માટે યોગ્ય વર શોધવાનું આરંભ થયું ત્યારે મારા પિતાને અત્રિ ૠષિનો વિચાર આવ્યો. અત્રિ ૠષિ જ્ઞાતા અને શીલ-સદાચાર ક્ષમા જેવા ગુણો ધરાવતા એક તપસ્વી હતા. સ્વયં બ્રહ્મા પુત્ર અત્રિ વિશ્ર્વ વંદનિય ૠષિ તરીકે સન્માન પામ્યા હતા. એમની સાથે મારું લગ્ન થયું. અમારી વચ્ચે ઉત્તમ દામ્પત્ય પાંગર્યું. ચંદ્રના ગુણો ધરાવતો સોમ અને સૂર્યના ગુણો ધરાવતો દુર્વાસા અમારા સંતાન તરીકે જન્મ્યાં...

મારા બાળકો જ્યારે ઊછરી રહ્યા હતા ત્યારે વિશ્ર્વભરમાં સતી તરીકે મને સન્માન મળવા લાગ્યું. સાચું પૂછો તો મેં કોઈ દિવસ આ માગ્યું નહોતું. હું તો પૂર્ણ હૃદય અને નિષ્ઠાથી મારા પતિની સેવા કરતી. એમનાં સર્વકાર્યોમાં સહકાર આપતી અને તમામ ૠષિ બાળકોને આશ્રમમાં સ્નેહથી સંસ્કાર આપતી. રામ અને સીતા જ્યારે ચિત્રકૂટ પધાર્યા ત્યારે સીતાએ પોતાના દાંપત્ય જીવન અંગે મારી પાસે નમ્રતાપૂર્વક શીખ માગી. મેં ત્યારે સીતાજીને એક જ વાત કહેલી, "સ્ત્રી જ્યારે પૂર્ણ સ્નેહ અને આદરથી પોતાનાં લગ્નજીવનને સમર્પિત થાય છે ત્યારે આખું વિશ્ર્વ, આખું બ્રહ્માંડ એનું સન્માન કરવા બાધ્ય બને છે. ને વાત સાચી જ છે.

જો કે, મનુસ્મૃતિના કેટલાક શ્ર્લોક સાથે મારા પિતા પણ સહમત નહોતા. એમણે એમના શ્ર્વસુરશ્રીને કહેલું, "પતિ દુરાચારી હોય, પત્નીનું સન્માન ન કરતો હોય તો પણ પત્નીએ પતિનું સન્માન કરવું, એની આજ્ઞા પાળવી એવી સૂચના યોગ્ય નથી. ત્યારે શ્રી મનુએ એમના જામાતાને કહેલું, "દરેક વાત દરેક વ્યક્તિ માટે સત્ય ન પણ હોય... આપણે જ્યારે શ્ર્લોક કે સુભાષિતની રચના કરીએ છીએ ત્યારે જનસામાન્યને દૃષ્ટિ સમક્ષ રાખીએ છીએ. જેમ મેં સ્ત્રીને પોતાનું સન્માન કરવાનું કહ્યું છે એવી જ રીતે પુરુષને પણ એક પત્નીવ્રત પાળવાનું કહ્યું છે. "મનુુસ્મૃતિની રચનાઓ એક યોગ્ય અને આદર્શ જીવન જીવવાની કલા શીખવે છે...આમાં વ્યક્તિગત બાબતોને આવરી લેવાનો પ્રયાસ નથી કર્યો મેં.

મારા પિતાને માટે મારો જન્મ ખૂબ જ આનંદનો પ્રસંગ હતો. એમણે પુત્રી જન્મ વિશે ૠગવેદમાં કેટલીક ૠચાઓ ઉમેરી મારું સ્વાગત કર્યું હતું. મારા શિક્ષણમાં એમણે સંપૂર્ણ સમય અને શ્રધ્ધાથી પોતાનું જ્ઞાન રેડ્યું. લગ્ન પછી કેટલીકવાર હું મારા પતિ સાથે શાસ્ત્રાર્થ કરતી ત્યારે અત્રિ ૠષિ સસ્મિત કહેતા, "તમે સાચે જ સંપૂર્ણ જીવન સંગીની-અર્ધાંગિની છો, ભોજ્યેષુ માતા, કાર્યેષુ મંત્રી અને દાસી સહિત...હું શરમાઈ જતી, કારણ કે શયનેષુ રંભાની વાત મને લજ્જા આપતી. આ અદ્ભુત દાંપત્યની ખ્યાતિ વિશ્ર્વભરમાં પહોંચી. આ જગતની સાથે સાથે પરલોકમાં પણ અમારા દાંપત્યની ખ્યાતિ વિસ્તરી. ત્રિદેવની પત્નીઓ સાવિત્રી, લક્ષ્મી અને પાર્વતીને પોતાના પતિવ્રતપણાનો અહંકાર હતો. તેઓ સતત પોતાના ત્યાગ, બલિદાન, સમર્પણ અને સ્નેહની કથાઓ પતિને કહ્યા કરતી એટલે એકવાર ત્રણે દેવોએ ભેગા થઈને એમનો અહંકાર ઉતારી નાખવાનો નિર્ણય કર્યો.

એમણે નારદજીને આ કામ સોંપ્યું. નારદજી અમારે ત્યાં અવારનવાર આવતા...એમને અત્રિ ૠષિ માટે પ્રેમ અને સન્માન...એક દિવસ નારદજીએ સ્વર્ગલોકમાં પહોંચીને અમારા દાંપત્યની અને મારા સતીત્વની પ્રશંસા કરવા માંડી. એમણે કહ્યું, "હું ચૌદ લોક ફરી આવ્યો છું પરંતુ આવું દાંપત્ય મેં ક્યાંય જોયું નથી. પતિની આવી સેવા કરતી સ્ત્રી પૃથ્વી પર તો શું ચૌદ લોકમાં દુર્લભ છે. એનું સતીત્વ અખંડ છે. શાશ્ર્વત છે. દેવીઓને ઈર્ષા થઈ એટલે એમણે પોતાના પતિને કહ્યું, કે તમારે આ મહાસતીની પરીક્ષા કરવાની છે...ત્રણે દેવતાઓએ સાધુનો વેશ ધર્યો. તે સહુ મંદાકિનીને કાંઠે આવ્યા. મંદાકિનીને કાંઠે અત્રિ ૠષિનો આશ્રમ છે. અહીં આવીને એમણે અમારા આશ્રમમાં ભોજનની માગણી કરી. આંગણે આવેલા અતિથીને ભોજન કરાવવું એ કોઈપણ પતિવ્રતાનો પહેલો ધર્મ છે એટલે મેં આનંદ અને આદરથી ભોજનનું નિમંત્રણ આપ્યું. દેવોેએ કહ્યું, "અમે ભોજન તો કરીએ પણ અમારી એક શરત છે

"આપની તમામ શરત મને સ્વીકાર્ય છે મેં કહ્યું.

હવે એમણે પોતાની વાત કહી. એમણે કહ્યું, "અમે નિર્વસ્ત્ર થઈને ભોજન કરીએ છીએ. આ જગતનાં તમામ બંધનોથી મુક્ત થઈને કોઈ બાળક જેમ પોતાની માતાના સ્તનમાંથી જીવનરસ ગ્રહે એ જ રીતે અમે આ ધરતીમાતાના આશીર્વાદને-ધરતી પર ઉગેલા અન્નને જીવનરસ માનીને એનું ગ્રહણ કરીએ છીએ. એ માટે અમે બાલવેશમાં ભોજન કરીએ છીએ. મેં ક્ષણભર વિચાર કર્યો. જો હવે આ સાધુઓને ના પાડું તો મારો અતિથિ ધર્મ લજવાય અને જો પર પુરુષને નિર્વસ્ત્ર નિહાળું તો મારો સતીધર્મ ઝંંખવાય. મેં એમને કહ્યું, આપ સ્નાન કરીને પધારો, હું આપને અવશ્ય ભોજન કરાવીશ. દેવો આનંદિત થતા ગયા. થોડીવારમાં જ્યારે એ લોકો પાછા ફર્યા ત્યારે મેં મારા પતિનું સ્મરણ કરીને જાણી લીધું હતું કે, આ કોઈ સાધુઓ નથી દેવો છે, મારી પરીક્ષા કરવા આવ્યા છે.

મેં મારા તમામ પુણ્યબળે આંખ મીચી મારા પતિનું સ્મરણ કર્યું. એમના ચરણમાં મારી નિષ્ઠા સમર્પીને હાથમાં પાણીની અંજલિ લીધી. જેવા એમણે નિર્વસ્ત્ર થવાની શરૂઆત કરી એવી મેં પાણીની અંજલિ એમના પર છાંટી...ત્રણે દેવો સાવ નાનકડાં બાળક બની ગયાં. આજે એ દેવો મારા આંગણામાં રમી રહ્યાં છે. એમની સાથે મારા બીજા બે પુત્રો પણ આનંદથી રમે છે. હું જાણું છું કે સ્વર્ગની ત્રણે મહાદેવીઓ ચિંતિત છે. એમણે વારંવાર નારદજી સાથે સંદેશ કહાવ્યા છે, પરંતુ મે નિર્ણય કર્યો છે કે મારા સતીત્વની પરીક્ષા કરનાર-આવનારને હવે મારા આશ્રમમાં આવીને પોતાના પતિની માગણી કરવી પડશે. ત્રણ દેવોની આવી સેવા કરવાનો સુઅવસર હું શા માટે છોડું, હું તો પૂણ્ય કમાવી રહી છું. બાળસ્વરૂપે દેવોને લાડ લડાવું છું...જે દિવસે મહાદેવીઓ અહીં પ્રગટ થશે અને એમના પતિની માગણી કરશે એ દિવસે આ ત્રણે બાળકોને પાછા સોંપવાના બદલામાં હું એમની પાસે એક અદ્ભુત બાળકનું વરદાન માગીશ. એવું બાળક જેમાં આ ત્રણે દેવોનો અંશ હોય...

ત્યાં સુધી આ ત્રણે દેવો મારા સંતાન બનીને મારા સ્નેહને પાત્ર થઈને મને સેવાનું પૂણ્ય આપશે.





ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

શાસન નિર્ણય

શાસન નિર્ણય

Most Popular