બુધવાર, 5 ઑક્ટોબર, 2016

.ગાગરમાં સાગર

clip

સલામતી સમિતિમાં સીમા પરની તાણનો મુદ્દો નહીં જ ચર્ચાય
યુનોમાં પાકનું સુરસુરિયું
સંયુક્ત રાષ્ટ્રસંઘ: રશિયાના સંયુક્ત રાષ્ટ્રસંઘના રાજદૂત અને સુરક્ષા પરિષદના ઑક્ટોબર માટેના પ્રમુખ વિટાલી ચરકીને જણાવ્યું હતું કે યુનોની સુરક્ષા પરિષદ ભારત-પાકિસ્તાન તંગદિલી વિશે ચર્ચા નથી કરી રહી અને આ સાથે પાકિસ્તાને યુનોમાં ઉઠાવેલા કાશ્મીર અને પીઓકેમાં ભારતે કરેલા સર્જિકલ સ્ટ્રાઇકના મુદ્દાઓને ચગાવવાના ઇરાદાનું સુરસુરિયું થઇ ગયું હતું. 

રશિયન રાજદૂતે આ મામલે પ્રશ્ર્ન પૂછાતા ઉપરોક્ત જવાબ આપતા વધુમાં જણાવ્યું હતું કે હું સુરક્ષા પરિષદનો પ્રમુખ છું. માફ કરજો આ મામલા વિશે મારે કશું નથી કહેવાનું કારણ કે આ મામલો સુરક્ષા પરિષદમાં નથી ચર્ચાવાનો. 

પંદર રાષ્ટ્રની પરિષદમાં આ મહિના માટે રશિાયાએ પ્રમુખપદ સંભાળ્યું છે. 

રશિયાનું ઉપરોક્ત વિધાન પાકિસ્તાન માટે વધુ એક પછડાટ સમાન છે. ગયા સપ્તાહે જ પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદમાં પીઓકેમાં ભારતે ત્રાસવાદીઓના લોન્ચપેડ પર કરેલી સર્જિકલ સ્ટ્રાઇક અને કાશ્મીર મુદ્દે ફરિયાદ કરી હતી. (એજન્સી)
પીઓકેમાં આતંકવાદી માળખાના નાશ કરવા માટે લશ્કરે માગ્યા છ મહિના
નવી દિલ્હી: ભારતનાં સશસ્ત્ર દળોએ રાજકીય નેતાગીરીને જણાવ્યું છે કે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં ત્રાસવાદી માળખાને મરણતોલ ફટકો મારીને તેને ગંભીર રીતે અસ્તવ્યસ્ત કરી નાખવું હોય તો લગાતાર છ માસ સુધી ઝુંબેશ ચલાવવી પડે.

ટોચના લશ્કરી અફસરોએ બાતમી જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે એલઓસી ઓળંગીને સર્જિકલ હુમલા કરાયા એ અંગે ભારતે ગયા સપ્તાહમાં જાહેરમાં એ અંગે જણાવ્યું હતું. એને ધ્યાનમાં લઈને સશસ્ત્ર દળોના ટોચના અધિકારીઓએ સરકારને જણાવ્યું હતું કે આવા હુમલા ક્યારેક ક્યારેક કરવામાં આવે એનાથી ત્રાસવાદીઓની કમર નહીં તૂટે. એ માટે તો મધ્યમ કક્ષાની યોજના ઘડી કાઢવામાં આવે એ આવશ્યક છે.

સશસ્ત્ર દળોના સૌથી વરિષ્ઠ વ્યૂહકારોએ સરકારને જણાવ્યું હતું કે દેશે કાશ્મીરમાં પ્રત્યાઘાતી પરિણામો માટે દેશે તૈયાર પણ રહેવું જોઈએ. રવિવારે બારામુલ્લામાં સરહદી સલામતી દળના કેમ્પમાં ત્રાસવાદી હુમલો થયો હતો. આ ઉપરાંત બીજે પણ ત્રાસવાદી હુમલા થયા હતા. એટલે પગલાં ભરવાની આ એક સારી તક ઊભી થઈ છે.સશસ્ત્ર દળોના વ્યૂહકારોએ એમ પણ જણાવ્યું હતું કે લૉન્ચ પેડને લક્ષ્યાંક બનાવીને આવા સર્જિકલ હુમલા કરવા માટે નિર્ધારિત રીતે મક્કમ ઝુંબેશ ઉપાડવી જરૂરી છે.

ટોચના લશ્કરી અફસરે જણાવ્યું હતું કે આપણે એકધારી ઝુંબેશ હાથ ધરવાની આવશ્યકતા છે. ત્રાસવાદી નેટવર્કની પીછેહઠ થઈ રહી છે. અલબત્ત, વાસ્તવિક સિદ્ધિ મેળવવી હશે તો આપણે મધ્યમ કક્ષાની યોજના સાથે છ માસ ઝુંબેશ હાથ ધરવાની રહેશે. એકલોઅટૂલો કોઈ પ્રયાસ કરીશું તો ત્રાસવાદીઓ માટે ડારક પરિબળ સર્જી શકાશે નહીં.

ભારતના જનરલો એવો અભિપ્રાય ધરાવે છે કે પાકિસ્તાન સ્થિત અને એ દેશ પ્રેરિત ત્રાસવાદી સૂત્રધારો ભારત દ્વારા કરાયેલા સર્જિકલ હુમલાનો બદલો લેવા આગામી સપ્તાહોમાં વધુ ને વધુ ત્રાસવાદીઓ ભારતમાં ધકેલશે અને એટલા માટે પીઓકેમાં તેઓ વધુ લૉન્ચ પેડ બનાવશે.આ ત્રાસવાદી નેટવર્ક નેસ્તનાબૂદ કરી નાખવામાં આવે એ જરૂરી છે, એમ લશ્કરના ટોચના અધિકારી જણાવે છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

શાસન નિર્ણય

શાસન નિર્ણય

Most Popular