બુધવાર, 7 સપ્ટેમ્બર, 2016

.ગાગરમાં સાગર



imageview


imageview

આનંદો! ઘરવપરાશની વીજળી સસ્તી થશે!
ખેડૂતોને સોલાર પાવર ફીડર પર નાખીને મહારાષ્ટ્ર સરકાર સામાન્ય ગ્રાહકો પરની સબ્સિડીનો બોજ હટાવશે
વિપુલ વૈદ્ય

મુંબઈ: ખેડૂતોને કૃષિ પંપ માટે આપવામાં આવતી વીજળી, રાજ્યના સિંચાઈ પ્રોજેક્ટને પાણી ઉલેચવા માટે આપવામાં આવતી વીજળી અને રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં નળ દ્વારા પાણીપુરવઠો કરવા માટે આપવામાં આવતી વીજળી સોલાર પાવરના ફીડર પર નાખી દેવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. આ નિર્ણયનો અમલ કરવામાં આવશે ત્યારે અત્યારના સામાન્ય વીજ ગ્રાહક પર ખેડૂતોને આપવામાં આવતી સબ્સિડીનો બોજ ઘટી જશે, જેનાથી તેમની વીજળી સસ્તી થઈ શકે છે.

રાજ્યના ઊર્જા પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ ઉપરોક્ત માહિતી આપતાં મુંબઈ સમાચારને જણાવ્યું હતું કે અત્યારે રાજ્યના મેઈન ફીડરમાંથી જ કૃષિ પંપ માટે પણ વીજળી આપવામાં આવે છે અને તેને કારણે ક્રોસ સબ્સિડીના ધોરણે ખેડૂતોને આપવામાં આવેલી રાહતની વસૂલાત ઘરગથ્થુ અને ઔદ્યોગિક ગ્રાહકો પાસેથી કરવામાં આવે છે.

ભારતીય જનતા પાર્ટીના એજેન્ડામાં લખવામાં આવ્યું છે કે ખેડૂતોને દિવસના ૧૨ કલાક વીજળી મળવી જોઈએ અને તેને માટે મેઈન ફીડર પર લોડ નાખી શકાય નહીં, આથી જ રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે રાજ્યના બધા જ ખેડૂતોને સોલાર ફીડર પર નાખી દેવા. રાજ્ય સરકારનું લક્ષ્ય ૨,૫૦૦ મેગાવોટ સોલાર વીજળીના ઉત્પાદનનું છે અને ખેડૂતોને ફક્ત ૧૦૦૦ મેગાવોટ જેટલી વીજળી જોઈશે. આ રીતે જોવામાં આવે તો ખેડૂતો ઉપરાંત રાજ્યના સિંચાઈ પ્રોજેક્ટ, નળ યોજનાને વીજળી આપ્યા બાદ પણ સોલાર પાવર બચશે, જેને મેઈન ફીડર પર નાખવામાં આવશે. આ વીજળી રૂ. ૨.૫૦ના દરે ઉપલબ્ધ થઈ શકશે. આમ રાજ્યના અન્ય વીજ વપરાશકારોના વીજદર પણ ઓછા થશે. બીજું ફીડર અલગ કરવામાં આવતાં ખેડૂતોને જે સબ્સિડી આપવામાં આવે છે તે સીધી સોલાર પાવરના ફીડર પર નાખવામાં આવશે, જેથી મેઈન ફીડરના ગ્રાહકો પર ક્રોસ સબ્સિડીનો બોજ દૂર થઈ જશે. આમ આ બે પગલાંથી રાજ્યના ઘરગથ્થુ ગ્રાહકોનો બોજ ઓછો થશે અને તેમને વીજદરમાં રાહત આપી શકાશે.

કૃષિ પંપને સોલાર પાવરના ફીડર પર નાખવાનું પ્રાયોગિક સ્તરે દોઢ મહિનામાં ચાલુ કરવામાં આવશે અને આમ પહેલી વખત સંગમનેરમાં કરવામાં આવશે, એવી માહિતી આપતાં બાવનકુળેએ જણાવ્યું હતું કે અત્યારે મહાવિતરણ પાસે ૨૫૦ મેગાવોટ સૌર ઊર્જા તૈયાર છે અને તેનો લાભ લઈને આ કરવામાં આવશે. આગામી દિવસોમાં બીજી ખાનગી કંપનીઓને પણ સૌર ઊર્જાનું ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે અને તેમને વીજદરમાં જે સબ્સિડી આપવામાં આવે છે તે આપવામાં આવી શકે છે. આવી જ રીતે મહાવિતરણ પોતાના સૌર ઊર્જા પ્લાન્ટ પણ સ્થાપશે અને સબ્સિડીમાં આપવામાં આવતી રકમ ત્યાં ‘ઈન્વેસ્ટ’ કરશે.

મુંબઈમાં સમાન વીજદર આડે આવે છે રિલાયન્સ

મહારાષ્ટ્ર સરકાર મુંબઈમાં સમાન વીજદર માટે પ્રયાસ કરી રહી છે અને આ મુદ્દે શહેરમાં વીજ પુરવઠો કરનારી ત્રણ વીજ કંપની બેસ્ટ, ટાટા અને મહાવિતરણ ૧૦૦ યુનિટ સુધી સમાન દરે વીજ પુરવઠો કરવા માટે તૈયાર થઈ ગઈ છે, પરંતુ રિલાયન્સ સમાન વીજદરમાં અવરોધ ઊભો કરી રહી છે. આથી રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે એક વખત એમઈઆરસી પાસે ચારેય કંપનીના વીજદર માન્યતા માટે જાય અને એમઈઆરસી વીજદર મંજૂર કરે પછી રાજ્ય સરકાર તેમાં હસ્તક્ષેપ કરશે. રિલાયન્સ એનર્જીએ સમાન વીજ દરમાં એવો વાંધો ઉઠાવ્યો છે કે તેમને ૧૦૦ યુનિટ સુધી સમાન વીજદર આપવામાં રૂ. ૧૫૦ કરોડનું નુકસાન થશે આથી હવે રાજ્ય સરકારે ખાનગી વીજ કંપનીનું ઓડિટ કરાવવાનું નક્કી કર્યું છે. ટાટા અને રિલાયન્સ બંને કંપનીના છેલ્લા ૧૦ વર્ષના હિસાબ ઓડિટ કરાવવામાં આવશે.

ખેડૂતોને આપવામાં આવશે ૮ને બદલે ૧૨ કલાક વીજળી

મહારાષ્ટ્રમાં ૨૦-૨૫ દિવસથી વરસાદ ખેંચાઈ ગયો હોવાથી રાજ્યના અનેક વિસ્તારોમાં ઊભા પાક સામે સંકટ તોળાઈ રહ્યું છે. બીજી તરફ રાજ્યમાં જલયુક્ત શિવાર યોજના હેઠળ અનેક જળસ્રોતો તૈયાર થયા છે, જેમાંથી પાણી લઈને ખેડૂતો પોતાના પાકને બચાવી શકે છે. આને માટે તેમને વીજળીની આવશ્યકતા છે. અત્યારે ખેડૂતોના કૃષિ પંપને ૮ કલાક માટે વીજળી આપવામાં આવે છે, પરંતુ તે ઓછી પડે છે અને બીજું ખેડૂતોની એવી માગણી છે કે તેમને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે. આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે ખેડૂતોને હવે સવારે ૫.૩૦ વાગ્યાથી સાંજે ૫.૩૦ વાગ્યા સુધી કૃષિ પંપ માટે વીજળી આપવામાં આવશે. રાજ્યના અંદાજે ૧૦ લાખ જેટલા કૃષિ પંપને આનો લાભ મળશે અને તેને લીધે મહાવિતરણ પર રૂ. ૫૫૦-૬૦૦ કરોડ જેટલો બોજ પડશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

શાસન નિર્ણય

શાસન નિર્ણય

Most Popular