શુક્રવાર, 9 સપ્ટેમ્બર, 2016

ગાગરમાં સાગર

clip

લો હવે પરીક્ષા પણ થઈ મોંઘી, એસએસસી-એચએસસીના ફીમાં વધારો
આવકનો અન્ય કોઈ સ્ત્રોત ન હોવાથી મંડળે આઠ વર્ષ પહેલાનો પ્રસ્તાવ મંજૂર કર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ઘણી વસ્તુઓના ભાવ વધી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્ર પરીક્ષા મંડળે પરીક્ષા પણ મોંઘી કરી દીધી છે. બારમા અને દસમા ધોરણની પરીક્ષામાં ફી વધારો કરવામા આવ્યો હતો. જોકે આ વધારો મામૂલી છે. પરીક્ષા મંડળે બન્ને પરીક્ષા માટે રૂ. ૭૫નો વધારો કર્યો છે. ફી વધારાનો આ પ્રસ્તાવ ૨૦૦૯માં મૂકવામાં આવ્યો હતો, જેને આઠ વર્ષ બાદ મંજૂરી આપવામાં આવી છે. આમ થતાં હવે એસએસસીના વિદ્યાર્થીએ રૂ. ૪૧૫ અને એસએસસીના વિદ્યાર્થીએ રૂ. ૪૪૫ ફી પેટે ભરવાના રહેશે. અગાઉ આ ફી અનુક્રમે ૩૪૦ અને ૩૨૫ હતી. બારમાના વિદ્યાર્થીઓ પાસેથી માર્કશીટ, સર્ટિફિકેટ અને પ્રેક્ટિકલના પૈસા પણ વસૂલવામાં આવે છે. આ મામલે મહારાષ્ટ્ર પ્રિન્સિપાલ એસોસિયેશનના પ્રવક્તા પ્રશાંત રેડીઝે જણાવ્યું હતું કે આ વધારો બહુ નજીવો છે. પરીક્ષા મંડળ પાસે અન્ય આવકનો કોઈ સ્તોત્ર નથી. સરકારે તેમને આર્થિક મદદ પૂરી પાડવી જોઈએ. આજકાલ દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે. સ્ટેશનરી, વાહનવ્યવહાર, પેપરતપાસણી વગેરેનો ખર્ચ મંડળે કરવો પડે છે. તેમણે આ નિર્ણયને યોગ્ય જણાવ્યો હતો અને વધારોે મામૂલી હોવાથી મોટા ભાગના વિદ્યાર્થીઓને મુશ્કેલી નહીં પડે તેમ જણાવ્યું હતું. 

ફી રેગ્યુલેશન કાયદો રદ કરવાની સ્કૂલ એસોસિયેશનની માગણી



મુંબઈ: પ્રિ-પ્રાઈમરીથી શરૂ કરી એડ્મિશનના તમામ હક પોતાની પાસે રહે અને ફી રેગ્યુલેશન કાયદો લાગુ જ ન કરવામાં આવે તેવી માગણી રાજ્યની ખાનગી અંગ્રેજી મીડિયમ સ્કૂલોના સંગઠને કરી હતી. મહારાષ્ટ્ર અંગ્રેજી સ્કૂલ ટ્રસ્ટી એસોસિયેશન(મેસ્ટા) દ્વારા આ માગણી કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર ફી અંગેના નિર્ણય પેરેન્ટ્સ-ટીચર્સ એસોસિયેશ સાથે વાતચીત કરી, તેમની સહમતિથી જ લેવામાં આવે છે, તે બાદ કાયદો લાવવાની જરૂર નથી. સ્કૂલ માટે સ્વતંત્ર શિક્ષણ કાયદો કરવામાં આવે, સ્કૂલ સાથે ગેરવ્યવહાર કરતા વાલીઓના બાળકોનો પ્રવેશ બીજા શૈક્ષણિક વર્ષથી રદ કરવાની સત્તા સ્કૂલ મેનેજમેન્ટને આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. મેસ્ટાના અધ્યક્ષ સંજયરાવ તાયડે પાટીલે જણાવ્યું હતું કે આરટીઈ અનુસાર એડ્મિશન આપ્યા બાદ સરકાર દ્વારા સ્કૂલોને નાણાં આપવામાં ટાળંટાળ કરવામાં આવે છે. ૨૫ ટકા જગ્યા આરક્ષિત રાખ્યા બાદ અમને ૩૦ દિવસમાં તેની રકમ મળી જવી જોઈએ, તેવી માગણી પણ તેમણે કરી હતી. અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં વીજબીલ સહિત અન્ય તમામ સેવાઓ માટે કમર્શિયલ રેટ લાગુ પાડવામાં આવે છે, તેને રદ કરવાની માગણી પણ કરી હતી. તેમણે માગણી ન સંતોષાતા જિલ્લા સ્તરે આંદોલન કરવાની ચેતવણી પર આપી હતી. આ મામલે સંજયરાવ તાયડે પાટીલે ‘મુંબઈ સમાચાર’ સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમે મેમોરેન્ડમ લઈને શિક્ષણ પ્રધાન વિનોદ તાવડે પાસે ગયા હતા, પરંતુ તેમનો પ્રતિસાદ સંતોષકારક ન હતો. અમારી માગણીઓને ગંભીરતાથી લેવામા આવતી નથી. અમે સરકારને બે મહિનાનો સમય આપ્યો છે, જો અમારી માગણીઓ પૂરી નહીં થાય તો અમે ટીચર્સ સહિત રસ્તા પર ઉતરીશું. મેસ્ટા સાથે રાજ્યભરમાં કુલ ૧૩,૦૦૦ સ્કૂલ જોડાયેલી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

શાસન નિર્ણય

શાસન નિર્ણય

Most Popular