
ઊંટડીનું દૂધ હવે ખાદ્યપદાર્થમાં 13 હજાર ઉછેરકોને થશે ફાયદો
|
ભાસ્કર ન્યૂઝ | ભુજ
|
ફૂડસેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા ઊંટડીના દૂધને ખાદ્ય પદાર્થમાં સમાવવા લીલીઝંડી દર્શાવાઇ છે અને બાબતે જાહેરનામું પણ બહાર પાડી દેવાતાં કચ્છના 13 હજાર જેટલા ઊંટ ઉછેરકો માટે અચ્છે દિનના ઉજળા સંજોગો સર્જાયા હોવાનો દાવો દિશામાં સક્રીય પ્રયાસો કરનારી સરહદ ડેરીના ચેરમેન દ્વારા કરાયો છે. સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે વર્ષ-2014માં ઊંટડીના દૂધ માટે લાઇસન્સની માગણી કર્યા બાદ ચાલુ વર્ષે ઓક્ટોબર માસમાં ઊંટડીના દૂધને ખાદ્ય પદાર્થમાં બનતી ત્વરાએ સમાવવા માટે રજૂઆત કરી હતી, જેના પગલે FSSAI દ્વારા ડેરીના અતિ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ઊંટડીના દૂધના ધોરણો નક્કી કરી અને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ફેટ 3.0 ટકા અને SNF 6.5 ટકા ફિક્સ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર, અમૂલ ફેડરેશન, સહજીવન સંસ્થા અને ઊંટ ઉછેરક સંસ્થાના દ્વારા ઊંટડીના દૂધમાં રહેલા ઔષધિય ગુણોને કારણે તેનો ખાદ્ય પદાર્થમાં સમાવેશ કરવા સૂચન કરાયું હતું, જેના પગલે FSSAI દ્વારા ડ્રાફ્ટમાં સુધારો કરીને રજૂઆતને માન્ય રાખવામા આવી છે. મંજૂરી મળી જતાં સરહદ ડેરી દ્વારા દૂધનો પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટ નાખવા માટેનો 2.66 કરોડનો રિવાઇઝ એક્સટેન્શન પ્રોજેક્ટ સરકાર સમક્ષ રજૂ કરાયો છે, જે ચાલુ થવાથી કચ્છના લગભગ 13 હજાર ઊંટ ઉછેરકોને આર્થિક ફાયદો થશે. અને દરરોજ અંદાજિત 5થી 8 હજાર લિટર દૂધ કલેક્શન કરી અને અમૂલ દ્વારા માર્કેટિંગ કરવામાં આવશે, જેથી ઊંટડીના દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ મળી રહેશે. શરૂઆતમાં દૂધના ભાવ ઓછા મળશે, તો દૂધ ઉત્પાદકોને સરહદ ડેરી તરફથી સબસિડી આપવાનું પણ વિચારવામાં આવશે. જેના કારણે ઊંટડીની તમામ જાતિઓનું ભરણ-પોષણ થશે અને તેમાં વૃદ્ધિ થશે. ઊંટ ઉછેરકોનું આર્થિક-સામાજીક ધોરણ ઉંચું આવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે સરહદ ડેરી સતત પ્રયત્નશીલ છે, તેમ યાદીમાં જણાવાયું હતું. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા લીલીઝંડી |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો